3. જળપ્રલય
ઘણા સમય બાદ, જગતમાં અસંખ્ય લોકો જીવતા હતા. તેઓ ઘણા દુષ્ટ અને હિંસક બની ગયા હતા. તે એટલું ભૂંડુ થઈ ગયું હતું કે, ઇશ્વરે નિર્ણય કર્યો કે તે આખા જગતનો જળપ્રલય દ્વારા નાશ કરશે.
પરંતુ નૂહ ઇશ્વરની નજરમાં કૃપાદૃષ્ટિ પામ્યો. તે દુષ્ટ લોકો મધ્યે જીવતો ધર્મી માણસ હતો. ઇશ્વર જે જળપ્રલય મોકલવા માંગતા હતા તે વિશેની યોજના તેમણે નૂહને જણાવી. તેમણે નૂહને એક મોટું વહાણ બનાવવાનું કહ્યું.
ઇશ્વરે નૂહને 140 મીટર લાંબુ, 23 મીટર પહોળું, 13.5 મીટર ઉંચુ વહાણ બનાવવાનું કહ્યું. નૂહને તે લાકડામાંથી બનાવવાનું હતું અને તેને ત્રણ માળ, ઘણા ઓરડા અને બારીવાળું બનાવવાનું હતું. જળપ્રલય દરમ્યાન વહાણ નૂહને, તેના પરિવારને અને દરેક પ્રાણીઓને સુરક્ષિત રાખશે.
નૂહે દેવની આજ્ઞા માની તેણે અને તેના ત્રણ દીકરાઓએ ઇશ્વરે જે રીતે કહ્યું હતું તે જ રીતે વહાણ બાંધ્યું. આ વહાણ બનાવતા તેઓને ઘણા વર્ષો લાગ્યા કારણ કે તે ખૂબ જ મોટું હતું. નૂહે લોકોને આવનાર જળપ્રલયથી ચેતવ્યા અને ઇશ્વર તરફ ફરવા જણાવ્યું. પરંતુ તેઓએ તેનું માન્યું નહિ.
ઇશ્વરે નૂહ અને તેના પરિવારને તેઓના માટે તેમજ પ્રાણીઓ માટે પુરતો ખોરાક એકઠો કરવાની આજ્ઞા આપી. જ્યારે સઘળું તૈયાર થઇ ગયું, ત્યારે ઇશ્વરે નૂહને કહ્યું કે સમય થઇ ગયો છે કે તું, તારી પત્ની, તારા ત્રણ દીકરાઓ અને તેમની ત્રણ પત્નીઓ – બધા મળીને આઠ લોકો, વહાણમાં અંદર આવી જાય.
ઇશ્વરે દરેક પ્રાણીઓમાંથી નર અને માદાને અને પક્ષીઓને નૂહ પાસે મોકલ્યા કે જેથી તેઓ વહાણમાં અંદર જાય અને જળપ્રલય દરમ્યાન સુરક્ષિત રહે. ઇશ્વરે બલિદાન માટે જેનો ઉપયોગ થઇ શકે એવા દરેક પ્રાણીઓમાંથી સાત નર અને સાત માદાને મોકલ્યા. જ્યારે તેઓ બધા વહાણમાં ચઢી ગયા ત્યારે ઇશ્વરે બારણું બંધ કર્યું.
ત્યારબાદ વરસાદ, વરસાદ અને બસ વરસાદ વરસવાનું શરુ થયું. ચાળીસ દિવસ અને ચાળીસ રાત થોભ્યા વગર વરસાદ વરસતો રહ્યો. ભૂમિમાંથી પાણી ઉછળીને બહાર આવવા લાગ્યું. આખું જગત અને તેમાંનું સર્વસ્વ પાણી વડે ઢંકાઇ ગયું, ત્યાં સુધી કે મોટા પહાડો પણ.
જે લોકો અને પ્રાણીઓ વહાણમાં હતા તે સિવાયનું જે કંઇ સુકી ભૂમિ પર હતું તે સર્વ નાશ પામ્યું. વહાણ પાણી પર તરવા લાગ્યું અને જે કંઇ તેમાં હતું તેને ડુબતા બચાવ્યું.
વરસાદના વરસવાનું બંધ પડ્યા પછી, વહાણ પાંચ મહિના સુધી તરતું રહ્યું. અને આ સમય દરમ્યાન પાણીની સપાટી નીચે ઉતરવાની શરુઆત થઇ. એક દિવસ વહાણ પહાડની ટોચ પર અટકી ગયું, પરંતુ જગત હજુ પણ પાણીથી ઢંકાયેલુ હતું. ત્રણ મહિના બાદ પર્વતોની ટોચ દેખાવા લાગી.
ચાલીસ દહાડા પછી, નૂહે કાગડા નામના પક્ષીને બહાર મોકલ્યું, જેથી તે જાણી શકે કે પાણી સુકાઇ ગયા છે કે નહિ. કાગડો સુકી ભૂમિ માટે આમતેમ ઊડ્યો, પરંતુ તેને કોઇ સ્થાન મળ્યું નહિ.
ત્યારબાદ નૂહે કબૂતર નામના પક્ષીને મોકલ્યું. પરંતુ તેને પણ સુકી ભૂમિ મળી નહી તેથી તે નૂહ પાસે પાછું આવ્યું. એક સપ્તાહબાદ તેણે કબૂતરને પાછું મોકલ્યું. અને તે જૈતુનનું પાંદડુ લઇને પાછું આવ્યું. પાણી ઉતરવા લાગ્યું અને વનસ્પતિ પાછી ઉગવા લાગી.
નૂહે બીજા એક સપ્તાહ રાહ જોઇ અને કબૂતરને ત્રીજી વખત મોકલ્યું. આ વખતે, તેને આરામ કરવાની જગ્યા મળી અને તે પાછું આવ્યું નહિ. પાણી સુકાવા લાગ્યા હતા.
બે મહિના બાદ ઇશ્વરે નૂહને કહ્યું, “ તું અને તારું પરિવાર તથા બધા જ પ્રાણીઓ વહાણ છોડીને જાઓ. તને ઘણા પુત્રો અને પૌત્રો થાઓ અને પૃથ્વીને ભરી દો. “ માટે નૂહ અને તેનું પરિવાર વહાણમાંથી બહાર આવ્યા.
વહાણમાંથી બહાર આવ્યા બાદ, નૂહે દરેક પ્રકારના પ્રાણીઓ જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાતો હતો તેનું બલિદાન કર્યું. ઇશ્વર બલિદાનથી ખુશ થયા અને નૂહ તથા તેના પરિવારને આશીર્વાદ આપ્યો.
ઇશ્વરે કહ્યું “ હવે હું ક્યારેય પણ લોકોની દુષ્ટતાને કારણે પૃથ્વીને શાપ નહી આપું, અથવા જળપ્રલયથી જગતનો નાશ નહી કરું. ભલે લોકો તેમના બાળપણથી જ પાપી છે. “
ઇશ્વરે ત્યારબાદ તેમના વચનની નિશાની રુપે સર્વપ્રથમ મેઘધનુષ્ય બનાવ્યું. દરેક સમયે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે, ત્યારે ઇશ્વર પોતે આપેલા વચનને યાદ કરશે અને એજ રીતે તેના લોકો પણ તે વચનને યાદ કરશે.
બાઇબલની વાર્તા: ઉત્પતિ 6-8