ગુજરાતી: Bible

Updated ? hours ago # views See on DCS

Chapter 1

 

rem TC draft by Hiren rana

1 ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત; 2 જેમ યશાયા પ્રબોધક[ના પુસ્તક]માં લખેલું છે કે, 'જો, હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે; 3 અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો; 4 એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા આપનાર અરણ્યમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો. 5 આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. 6 યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તે તીડ તથા રાની મધ ખાતો હતો. 7 તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમનાં ચંપલની દોરી છોડવા યોગ્ય નથી. 8 હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરુ છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.' 9 તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; 10 પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે આકાશ ખુલ્લું તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, 11 અને આકાશેથી વાણી થઈ કે, 'તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.' 12 તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો; 13 અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને દૂતોએ તેમની સેવા કરી. 14 યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે, 15 'સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.' 16 તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા. 17 ઈસુએ તેઓને કહ્યું કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.' 18 તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા. 19 ત્યાંથી થોડે આગળ જતાં તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા. 20 ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના બાપ ઝબદીને નોકરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા. 21 તેઓ કપર-નાહૂમમાં ગયા; અને તરત, વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો. 22 લોકો તેમના બોધથી આશ્ચર્ય પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો. 23 તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે, 24 'અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.' 25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા'. 26 અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. 27 બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, 'આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.' 28 તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ. 29 તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા. 30 હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું. 31 તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણે તેઓની સેવા કરી. 32 સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા અશુદ્ધ આત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા. 33 બારણા આગળ આખું શહેર ભેગું થયું. 34 ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં અશુદ્ધ આત્માઓને કાઢ્યાં.અશુદ્ધ આત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધા નહિ. 35 સવારે અજવાળું થતા પહેલાં ઘણા વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36 સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની પાછળ ગયા; 37 અને તેઓ તેમને મળીને કહે છે કે,'બધા તમને શોધે છે.' 38 તે તેઓને કહે છે કે, 'આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.' 39 આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને અશુદ્ધ આત્માઓને કાઢતા હતા. 40 એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, 'જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.' 41 ઈસુને દયા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, 'મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;' 42 તે જ ઘડીએ તેનો રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો. 43 તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો; 44 અને કહ્યું કે, 'જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ કહ્યું છે તે પ્રમાણે, તારા શુધ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.' 45 પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.

Chapter 2

1 કેટલાક દિવસ પછી, ઈસુ ફરી કપર-નાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે 'તેઓ ઘરમાં છે.' 2 તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને વચન સંભળાવતા હતા. 3 ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા. 4 ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાંનું છાપરું તેઓએ ખોલ્યું અને તે તોડીને જે ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસ સૂતો હતો તેને ઉતાર્યો. 5 ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, 'દીકરા, તારાં પાપ માફ થયાં છે.' 6 પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે, 7 'આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપો ની માફી આપી શકે?' 8 તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, 'તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? 9 આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?' 10 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, (લકવાગ્રસ્તને તેઓ કહે છે) 11 'હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા.' 12 તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, 'અમે કદી આવું જોયું નથી.' 13 ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો. 14 રસ્તે જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, 'મારી પાછળ આવ;' તે ઊઠીને તેમની પાછળ ગયો. 15 એમ થયું કે ઈસુ તેના ઘરમાં જમવા બેઠા અને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા જે તેમની પાછળ ચાલતા હતા. 16 શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને દાણીઓની તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, 'ઈસુ તો દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે અને પીએ છે.' 17 ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, 'જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.' 18 યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, 'યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું શું કારણ?' 19 ઈસુએ તેઓને કહ્યું કે,'વર જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી. 20 પણ એવા દિવસો આવશે કે જયારે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.' 21 નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે. 22 નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે. 23 એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા. 24 ફરોશીઓએ તેમને કહ્યું કે, 'જુઓ , વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?' 25 તેમણે તેઓને કહ્યું કે, 'દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી નથી વાંચ્યું? 26 એટલે કે અબ્યાથાર મુખ્ય યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.' 27 તેમણે તેઓને કહ્યું કે, 'વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ; 28 માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.'

Chapter 3

1 ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. 2 તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર ચાંપતી નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે. 3 પેલા સુકાયેલા હાથવાળા માણસને તેઓએ કહ્યું કે, 'વચમાં ઊભો થા.' 4 અને તેઓએ પછી કહ્યું કે, 'વિશ્રામવારે સારુ કરવું કે ખોટું કરવું? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?' પણ તેઓ મૌન રહ્યા. 5 તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો. 6 શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો. 7 અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી 8 તથા યરૂશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેમણે જે જે [કાર્યો] કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા. 9 લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું; 10 કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં. 11 અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, 'તમે ઈશ્વરના દીકરા છો.' 12 તેમણે તેઓને હુકમ કર્યો કે, 'મને જાહેર ન કરો.' 13 ઈસુ પહાડ પર ચઢ્યા અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા. 14 ઈસુએ બાર શિષ્યોને નીમ્યા.એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને બોધ કરવા મોકલે, 15 અને તેઓ અધિકાર પામીને અશુદ્ધ આત્માઓને કાઢે. 16 સિમોનની અટક તેમણે પિતર પાડી; 17 તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓની અટક તેમણે 'બને-રગેસ' પાડી, એટલે કે 'ગર્જનાના દીકરા;' 18 અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થાદ્દી, સિમોન કનાની 19 તથા તેમને પકડાવી દેનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. પછી તે એક ઘરમાં આવે છે. 20 ફરી એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. 21 તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે 'તે પાગલ છે.' 22 જે શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, 'તેનામાં બાલઝબૂલ છે અને અશુદ્ધ આત્માઓના સરદાર[ની મદદ]થી તે અશુદ્ધ આત્માને કાઢે છે.' 23 તેમણે તેઓને પાસે બોલાવીને દૃષ્ટાંતોમાં કહ્યું કે, 'શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે? 24 જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી. 25 જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ. 26 જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે રહી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવો. 27 બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ [તેને બાંધ્યા] પછી તે તેને લૂંટી શકશે. 28 હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે. 29 પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.' 30 કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે. 31 ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભાં રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો. 32 ઘણા લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, 'જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.' 33 તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?' 34 જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે , 'જુઓ, મારી મા તથા મારા ભાઈઓ. 35 કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.'

Chapter 4

1 ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણા લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે જમીન પર હતા. 2 અને દૃષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું, 3 'સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4 એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. 5 બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં વધારે માટી ન હતી; અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં; 6 પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચિમળાઈ ગયાં; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયાં. 7 બીજાં કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; અને તેઓએ ફળ ન આપ્યું. 8 બીજાં બી સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં , ત્રીસ ગણાં તથા સાઠ ગણાં તથા સો ગણાં ફળ આપ્યાં. 9 તેમણે તેઓને કહ્યું કે, 'જેને સાંભળવાને કાન છે તે સાંભળે.' 10 જયારે તે એકાંતમાં હતા ત્યારે બાર [શિષ્યો] સહિત જેઓ તેમની પાસે હતા, તેઓએ તેમને આ દૃષ્ટાંતો વિષે પૂછ્યું. 11 તેમણે તેઓને કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દૃષ્ટાંતોમાં અપાય છે; 12 એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ ફરે અને તેઓને [પાપની] માફી મળે. 13 તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દૃષ્ટાંતો કેવી રીતે સમજશો? 14 વાવનાર વચન વાવે છે. 15 રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. 16 એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે; 17 અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડી વાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ [આત્મિક જીવનમાં] ટકી શકતા નથી. 18 બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું, 19 પણ આ દુનિયાની ચિંતાઓ, દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. 20 જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસ ગણાં તથા સાઠ ગણાં તથા સો ગણાં ફળ આપે છે.' 21 તેમણે તેઓને કહ્યું કે, 'શું દીવી નીચે અથવા પલંગ નીચે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે? શું દીવીની ઉપર મૂકવા સારુ નહિ? 22 કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ઢાંકેલું છે તે એ સારુ છે કે ખુલ્લું કરવામાં આવે. 23 જો કોઈને સાંભળવાને કાન છે તો તેણે સાંભળવું.' 24 તેમણે તેઓને કહ્યું કે, 'તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે; 25 કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.' 26 તેમણે કહ્યું કે, 'ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે, 27 તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે [તે વધે છે] એ તે જાણતો નથી. 28 જમીન તો પોતાની મેળે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં ભરપૂર દાણા. 29 પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું ચલાવે છે; કેમ કે કાપણીનો વખત થયો હોય છે. 30 તેમણે કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને શાની ઉપમા આપીએ? 31 તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બી કરતાં તે નાનું હોય છે; 32 પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશનાં પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.' 33 એવાં ઘણાં દૃષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતા હતા. 34 દૃષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતા ન હતા ; પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા. 35 તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, 'આપણે પેલે પાર જઈએ.' 36 લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. 37 પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. 38 તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર [માથું ટેકીને] ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, 'ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?' 39 તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, 'શાંત થા.' ત્યારે પવન બંધ થયો અને મહા શાંતિ થઈ. 40 તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?' 41 તેઓ ઘણા ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, 'આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?'

Chapter 5

1 તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા. 2 ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો; 3 તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતુ ન હતું; 4 કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું. 5 તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. 6 પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો , 7 અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, 'ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપુ છું કે, તમે મને પીડા ન આપો.' 8 કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, 'અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.' 9 તેમણે તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે ઉત્તર આપતાં કહ્યું કે, 'મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ.' 10 તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ. 11 હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 12 તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, 'તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો. 13 ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું. 14 તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા. 15 ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલો હતો, એટલે જેનામાં સેના હતી, તેને તેઓએ બેઠેલો, [વસ્ત્ર] પહેરેલો તથા હોશમાં આવેલો જોયો; તેઓ ગભરાઈ ગયા. 16 અશુદ્ધ આત્મા વળગેલો કેવી રીતે [સારો] થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી. 17 તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી જતા રહેવાની વિનંતી કરવા લાગ્યા કે 'અમારા પ્રદેશમાંથી જતા રહો .' 18 તે વહાણમાં ચઢતા હતા એટલામાં જેને અશુદ્ધ આત્મા વળગ્યાં હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી. 19 પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, 'તારે ઘેર તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.' 20 તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા. 21 જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિઘણા લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા. 22 સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો; 23 તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, 'મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.' 24 ઈસુ તેની સાથે ગયા; અને અતિઘણા લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી થઈ. 25 એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો 26 અને તેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખર્ચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી, 27 તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના વસ્ત્રને અડકી. 28 કેમ કે તેણે ધાર્યું કે, 'જો હું માત્ર તેમનાં વસ્ત્રને અડકું તો હું સાજી થઈશ.' 29 તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે 'હું બીમારીથી સાજી થઈ છું.' 30 મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, 'કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?' 31 તેના શિષ્યોએ તેમને કહ્યું કે, 'તમે જૂઓ છો કે, ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?' 32 જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી. 33 તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમની આગળ નમીને તેણે તેમને બધું સાચેસાચું કહ્યું. 34 ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.' 35 તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, 'તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?' 36 પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહે છે કે, 'ડરીશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.' 37 અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધા. 38 સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે. 39 તે અંદર આવીને તેઓને કહે છે કે, 'તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.' 40 તેઓએ તેમને હસી કાઢ્યા. પણ બધાને બહાર કાઢીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા. 41 છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, 'ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.' 42 તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં. 43 ઈસુએ તેઓને તાકીદ કરી કે 'કોઈ એ ન જાણે;' અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.

Chapter 6

1 ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ [નાસરેથ]માં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. 2 વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે, 'આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે! તેમના હાથથી આવાં પરાક્રમો કેવીરીતે થાય છે એ શું છે? 3 શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસેફ, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?' અને તેઓએ ઈસુને ઓળખવાની મના કરી. 4 પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય [બીજે ઠેકાણે] માન વિનાનો નથી.' 5 તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કંઈ ચમત્કાર કરી શક્યા નહિ. 6 તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા. 7 બાર [શિષ્યો]ને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો; 8 તેઓને ફરમાવ્યું કે, 'માર્ગને માટે કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ; 9 પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.' 10 વળી તેમણે તેઓને કહ્યું કે, 'જ્યારે તમે કોઈ ઘરમાં પેસો, ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. 11 જ્યાં કહીં તેઓ તમારો આવકાર ના કરે અને તમારું ના સાંભળે, તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો. 12 તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે, 'પસ્તાવો કરો.' 13 તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ ચોળ્યું અને તેઓને સાજાં કર્યાં. 14 હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું (કેમ કે તેમનું નામ પ્રસિદ્ધ થયું હતું) અને તેઓ કહેતા હતા કે 'યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે, અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.' 15 પણ બીજાઓએ કહ્યું કે, 'તે એલિયા છે;' અને અન્ય કેટલાકે કહ્યું કે, 'તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.' 16 પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, 'એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.' 17 કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી. 18 તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે, 'તારા ભાઈની પત્નીને રાખવી તે તને ઉચિત નથી.' 19 એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી , પણ તે એમ કરી શકતી ન હતી. 20 કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સંભાળતો અને તેનું સાંભળીને બહુ ગભરાતો હતો , તો પણ ખુશીથી તેનું સાંભળતો હતો. 21 આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો; 22 તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, 'તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.' 23 તેણે સમ ખાઈને તેને કહ્યું કે, 'જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.' 24 તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, 'હું શું માગું?' 25 તેણે કહ્યું, 'યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ'. તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે, 'હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ.' 26 રાજા ખૂબજ દુ:ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહિ. 27 તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ કેદખાનામાં જઈને તેનું માથું કાપી નાખ્યું; 28 અને તેનું માથું થાળમાં લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું. 29 તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફ્નાવ્યું. 30 પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું. 31 તેમણે તેઓને કહ્યું કે, 'તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;' કેમ કે આવનારા અને જનારા ઘણા હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો. 32 તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા. 33 લોકોએ તેઓને જતા જોયા, ઘણાએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. 34 ઈસુએ બહાર આવીને અતિ ઘણા લોકોને જોયા; અને તેમને તેઓ પર દયા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા. 35 જયારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો નમી ગયો છે; 36 તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે. 37 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' તેઓ તેને કહે છે કે, 'શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?' 38 પણ તે તેઓને કહે છે કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.' ખબર કાઢ્યા પછી તેઓ કહે છે કે, 'પાંચ રોટલી તથા બે માછલી.' 39 તેમણે તેઓને સૂચના કરી કે, 'સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.' 40 તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા. 41 ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી. 42 બધા લોકો જમ્યા અને તૃપ્ત થયા; 43 અને તેઓએ રોટલીના વધેલા ટુકડાઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ઉઠાવી. 44 જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. 45 તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા. 46 તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. 47 સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા. 48 તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, આશરે રાતને ચોથે પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાનું તેઓ ઇચ્છતા હતા. 49 તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને અનુમાન કર્યું કે, એ તો આભાસ છે અને બૂમ પાડી; 50 કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, 'હિમંત રાખો, એ તો હું છું, બીશો નહિ.' 51 તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન શાંત થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા; 52 કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં. 53 તેઓ પાર જઈને ગેન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું. 54 તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ તેમને (ઈસુને)ઓળખ્યા, 55 અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં ત્યાં લાવવા લાગ્યા. 56 જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, 'તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;' જેટલાએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજા થયા.

Chapter 7

1 ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા. 2 અને તેમના કેટલાક શિષ્યોને તેઓએ ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં. 3 કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોનો સંપ્રદાય પાળીને સારી રીતે હાથ ધોયા વિના ખાતા ન હતા. 4 બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું. 5 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, 'તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?' 6 ઈસુએ તેઓને કહ્યું કે,'ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક બોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે. 7 પણ તેઓ પોતાના સંપ્રદાય મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે. 8 ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના સંપ્રદાય પાળો છો.' 9 તેણે તેઓને કહ્યું કે, 'તમે પોતાના સંપ્રદાય પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો બરાબર નકાર કરો છો. 10 કેમ કે મૂસાએ કહ્યું કે, "તારાં માતા-પિતાને માન આપ" અને "જે કોઈ પોતાનાં માતા -પિતાની નિંદા કરે તે માર્યો જાય"; 11 પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતા-પિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે. 12 તો તમે તેને તેનાં માતા-પિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતા નથી, 13 અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે ઈશ્વરનું વચન રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.' 14 લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે બધા મારું સાંભળો તથા સમજો. 15 માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને પતિત કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને પતિત કરે છે. 16 જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે 17 જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું. 18 ઈસુ તેઓને કહે છે કે, 'તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને પતિત કરી શકતું નથી? 19 કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;' [એવું કહીને] ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા. 20 વળી તેમણે કહ્યું કે, 'માણસમાંથી જે નીકળે છે તે જ માણસને પતિત કરે છે. 21 કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે જારકર્મ,ચોરીઓ, હત્યાઓ, 22 વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃતિ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. 23 એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને પતિત કરે છે. 24 પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમોમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ. 25 કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી. 26 તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાના ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી અશુદ્ધ આત્મા કાઢવાને તેમને વિનંતી કરી. 27 પણ ઈસુએ તેને કહ્યું કે, 'છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને ફેંકવી તે ઉચિત નથી.' 28 પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, 'હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંના પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે'. 29 ઈસુએ તેને કહ્યું કે, 'આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી અશુદ્ધ આત્મા નીકળી ગયો છે.' 30 તેણે પોતાને ઘેર આવીને જોયું કે, 'છોકરી ખાટલા પર સૂતેલી છે અને તેનામાં અશુદ્ધ આત્મા નથી.' 31 ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા. 32 લોકો એક મૂક-બધિરને તેમની પાસે લાવ્યા.અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી. 33 ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું; 34 અને આકાશ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો.અને કહ્યું કે, 'એફફથા,' એટલે 'ઊઘડી જા.' 35 તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો. 36 ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'તમારે કોઈને કહેવું નહિ;' પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. 37 લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, 'તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતા અને મૂકજનોને બોલતાં કરે છે.

Chapter 8

1 તે દિવસોમાં જયારે ફરી અતિઘણા લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે, 2 'લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી; 3 અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.' 4 શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, 'અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?' 5 ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે?' તેઓએ કહ્યું, 'સાત.' 6 ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી. 7 તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનુ કહ્યું. 8 લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી. 9 [જમનારા] આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં. 10 તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની સીમોમાં આવ્યા. 11 ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા. 12 પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, 'આ પેઢી નિશાની કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહિ.' 13 તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા. 14 તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા; અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી. 15 ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, 'જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.' 16 તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે, 'આપણી પાસે રોટલી નથી.' 17 તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, 'તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જાણતા કે સમજતા નથી ? શું તમારાં મન કઠણ થયાં છે? 18 તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતા નથી? અને શું યાદ રાખતાં નથી? 19 જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?' તેઓ ઈસુને કહે છે કે, 'બાર ટોપલીઓ.' 20 'જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી'? તેઓએ કહ્યું કે 'સાત ટોપલી.' 21 ઈસુએ તેઓને કહ્યું 'શું તમે હજી નથી સમજતા?' 22 તે બેથસેદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક અંધજનને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી. 23 અંધનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, 'તને કશું દેખાય છે?' 24 ઊંચું જોઈને તેણે કહ્યું કે, 'હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે'. 25 પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એકનજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો. 26 ઈસુએ તેને ઘેર મોકલતાં કહ્યું કે, 'ગામમાં પણ જઈશ નહિ.' 27 ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે 'હું કોણ છું, એ વિષે લોકો શું કહે છે?' 28 તેઓએ ઈસુને કહ્યું કે, '[કોઈ કહે છે કે તમે] બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે 'તમે પ્રબોધકોમાંના એક છો.' 29 ઈસુએ તેઓને પૂછ્યું, 'પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?' પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, 'તમે તો ખ્રિસ્ત છો.' 30 તેમણે તેઓને તાકીદ કરી કે, 'મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.' 31 ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, 'માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.' 32 ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો; 33 પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, 'શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર ચિત્ત લગાડે છે.' 34 ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35 કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે. 36 કેમ કે જો માણસ આખું જગત મેળવે પણ તેના જીવની હાનિ થાય, તો તેથી તેને શો લાભ થાય? 37 વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે? 38 કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.'

Chapter 9

1 ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને ખાતરીથી કહું છું કે, 'અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.' 2 છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું. 3 ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે પૃથ્વીમાં કોઇ પણ ધોબી તેવાં સફેદ કરી ન શકે. 4 એલિયા મૂસાની સાથે તેઓને દેખાયો અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. 5 પિતર ઈસુને કહે છે કે, 'ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.' 6 શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા. 7 એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.' 8 તરત તેઓએ ચારે બાજુ જોયું ત્યાર પછી તેઓએ સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ. 9 તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, 'તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.' 10 તેઓએ તે સૂચના મનમાં રાખીને 'મૃત્યુમાંથી પાછા ઊઠવું' એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી. 11 તેઓએ ઈસુને પૂછ્યું, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલાં એલિયાએ આવવું જોઈએ?' 12 ઈસુએ તેઓને કહ્યું કે, 'એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું અને અપમાનિત થવું પડશે?' 13 પણ હું તમને કહું છું કે, 'એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે [આચરણ] કર્યું,' 14 તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણા લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા. 15 તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી. 16 ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?' 17 લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, 'ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો આત્મા વળગેલો છે; 18 જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જવું. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; તેણે તેઓ કાઢી શક્યા નહિ,' 19 પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, 'ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમને નિભાવીશ? તેને મારી પાસે લાવો.' 20 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને આત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. 21 ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, 'તેને કેટલા વખતથી આવું થયું છે?' તેણે કહ્યું કે, 'બાળપણથી.' 22 તેનો નાશ કરવા સારુ તેણે (અશુદ્ધ આત્માએ) ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.' 23 ઈસુએ તેને કહ્યું કે, 'જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.' 24 તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, 'હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.' 25 ઘણા લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, 'મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેમાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.' 26 ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાખરાએ કહ્યું કે, 'તે મરી ગયો છે.' 27 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો. 28 ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, 'અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?' 29 ઈસુએ કહ્યું કે, 'પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.' 30 ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી. 31 કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતા કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.' 32 તેઓ આ વાત સમજ્યા ન હતા, અને ઈસુને પૂછતાં ગભરાતા હતા. 33 તેઓ કપર-નાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?' 34 પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, 'તેઓમાં મુખ્ય કોણ છે?' 35 ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય.' 36 તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે, 37 'જે કોઈ મારે નામે આવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.' 38 યોહાને ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, અમે એક જણને તમારે નામે ભૂતોને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.' 39 પણ ઈસુએ કહ્યું કે, 'તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે અને પછી તરત મારી નિંદા કરી શકે. 40 કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.' 41 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, 'તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું ફળ નહિ ગુમાવે. 42 જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ગેરમાર્ગે દોરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય. 43 જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે 44 તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. 45 જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે 46 તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. 47 જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નરકાગ્નિમાં નંખાવું, 48 કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે. 49 કેમ કે અગ્નિથી હરેક સલૂણું કરાશે; [ અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે. ] 50 મીઠું તો સારું છે; પણ જો મીઠું ખારાશ ગુમાવે, તો તેને શાનાથી ખારું કરશો? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.

Chapter 10

1 ત્યાંથી ઊઠીને ઈસુ યર્દનને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. 2 ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું કે, 'શું પુરૂષે પોતાની સ્ત્રીને છોડી દેવી ઉચિત છે?' 3 ઈસુએ જવાબ આપતાં તેઓને પૂછ્યું કે, 'મૂસાએ તમને શી આજ્ઞા આપી છે?' 4 તેઓએ કહ્યું કે, છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે.' 5 પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારુ એ આજ્ઞા આપી છે. 6 પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં. 7 એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. 8 તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નહિ, પણ એક દેહ છે; 9 તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.' 10 ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે ઈસુને પૂછ્યું. 11 ઈસુ તેઓને કહે છે કે, 'જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે 12 અને જો પત્ની પોતાના પતિને તજી દે અને બીજા સાથે લગ્ન કરે, તો તે પણ વ્યભિચાર કરે છે.' 13 પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 ઈસુ તે જોઈને દુ:ખી થયા અને તેમણે તેઓને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.' 15 હું તમને નિશ્ચિત કહું છું કે, 'જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.' 16 ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો. 17 તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, 'ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું કરું?' 18 ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. 19 તું આજ્ઞાઓ જાણે છે; હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી સાક્ષી ન પૂરવી, ઠગાઈ ન કરવી, માબાપને માન આપવું.' 20 પણ તેણે ઈસુને કહ્યું કે, 'ઓ ઉપદેશક, એ સર્વ [આજ્ઞાઓ] તો હું બાળપણથી પાળતો આવ્યો છું.' 21 તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, 'તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, આકાશમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.' 22 પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. 23 ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, 'જેઓની પાસે મિલકત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!' 24 ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, 'બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે! 25 ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે.' 26 તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, 'તો કોણ ઉધ્ધાર પામી શકે?' 27 ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, 'માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.' 28 પિતર તેમને કહેવા લાગ્યો, 'જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.' 29 ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે, 30 તે હમણાં આ જિંદગીમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જો કે તેઓની સતાવણી થશે.વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન, પામ્યા વગર રહેશે નહિ. 31 પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા અને જે છેલ્લા તેઓ પહેલા થશે.' 32 યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર [શિષ્યો]ને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે, 33 'જુઓ, આપણે યરૂશાલેમમાં જઈએ છીએ; માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે; 34 તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.' 35 ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, 'ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તમે અમારે માટે કરો.' 36 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?' 37 ત્યારે તેઓએ તેમને કહ્યું કે, 'તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.' 38 પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?' 39 તેઓએ તેમને કહ્યું કે, 'અમે તેમ કરી શકીએ છીએ.' પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો; 40 પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા, એ મારા અધિકારમાં નથી, પણ જેઓને સારુ તે નિયત કરેલું છે તેઓને માટે તે છે." 41 પછી [બાકીના] દસ એ સાંભળીને યાકૂબ તથ યોહાન પ્રત્યે નાખુશ થયા. 42 પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, 'તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર શાસન કરે છે અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. 43 પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તેણે તમારે સેવક થવું. 44 જે કોઈ પ્રથમ થવા માગે તે સહુનો દાસ થાય. 45 કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે.' 46 તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણા લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો. 47 એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.' 48 લોકોએ તેને ધમકાવ્યો કે, 'તું ચૂપ રહે;' પણ તેણે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.' 49 ઈસુએ ઊભા રહીને કહ્યું કે, 'તેને બોલાવો' અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, 'હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.' 50 પોતાનું વસ્ત્ર પડતું મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો. 51 ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?' અંધ વ્યક્તિએ કહ્યું કે, 'સ્વામિ, હું દેખતો થાઉં.' 52 ઈસુએ તેને કહ્યું કે 'જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.

Chapter 11

1 તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે. 2 અને તેઓને કહે છે કે, 'સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો. 3 જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે તરત એને અહીં પાછું લાવવા મોકલશે.' 4 તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા. 5 જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, 'વછેરાને તમે શું કરવા છોડો છો?' 6 જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધા. 7 તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં વસ્ત્રો બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા. 8 ઘણાઓએ પોતાના વસ્ત્રો રસ્તામાં પાથર્યાં અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી]. 9 આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું કે, 'હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે. 10 આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!' 11 ઈસુ યરુશાલેમ જઈને ભક્તિસ્થાનમાં ગયા અને ચારેબાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનિયામાં ગયા. 12 બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી, ઈસુને ભૂખ લાગી. 13 એક અંજીરી જેને પાંદડાં હતાં તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે; અને તેઓ તેની પાસે આવ્યા, ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14 ઈસુએ તેને કહ્યું કે, 'હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય' અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું. 15 તેઓ યરૂશાલેમમાં આવ્યા. ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા; તેમણે નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં. 16 અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલસામાન લાવવા દીધો નહિ. 17 તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનો અડ્ડો બનાવ્યો છે.' 18 મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઇ પામ્યા હતા. 19 દર સાંજે તેઓ શહેર બહાર જતા. 20 તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને મૂળમાંથી સુકાયેલી જોઈ. 21 પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, 'ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.' 22 ઈસુએ તેઓને કહ્યું કે, 'ઈશ્વર પર વિશ્વાસ રાખો.' 23 કેમ કે હું તમને ખાતરીથી કહું છું કે, 'જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં શંકા ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે. 24 એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. 25 જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે. 26 પણ જો તમે માફ નહિ કરો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે. 27 પછી ફરી તેઓ યરૂશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા. 28 તેઓએ ઈસુને પૂછ્યું કે, 'કયા અધિકારથી તમે આ કામો કરો છો,' અથવા 'કોણે તમને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?' 29 ઈસુએ તેઓને કહ્યું કે, 'હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ. 30 યોહાનનું બાપ્તિસ્મા શું આકાશથી હતું કે માણસોથી? મને જવાબ આપો.' 31 તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે, જો કહીએ કે, આકાશથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો? 32 અને જો કહીએ કે, ત્યારે તેઓ લોકોથી ગભરાયા. કેમ કે બધા યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા. 33 તેઓ ઉત્તર આપ્યો કે, 'અમે જાણતા નથી.' ઈસુ તેઓને કહે છે કે, 'કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.'

Chapter 12

1 ઈસુ તેઓને દૃષ્ટાંતમાં કહેવા લાગ્યા કે, 'એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષરસનો કુંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો. 2 મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષવાડીનાં ફળનો ભાગ મેળવે. 3 પણ તેઓએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. 4 ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો. તેઓએ તેનું માથું ફોડી નાખ્યું અને તેને ધિક્કારીને નસાડી મૂક્યો. 5 તેણે બીજો ચાકર મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. પછી બીજા ઘણા ચાકરો મોકલ્યા, તેઓએ કેટલાકને કોરડા માર્યા અને કેટલાકને મારી નાખ્યા. 6 હવે છેલ્લે માલિકનો વહાલો દીકરો બાકી રહ્યો હતો. માલિકે આખરે તેને તેઓની પાસે એમ વિચારીને મોકલ્યો કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.' 7 પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે, 'એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ, તો વારસો આપણો થશે.' 8 તેઓએ તેને પકડીને મારી નાખ્યો. અને દ્રાક્ષવાડીમાંથી બહાર ફેંકી દીધો. 9 એ માટે દ્રાક્ષવાડીનો માલિક શું કરશે? હવે તે પોતે આવશે, ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષવાડી બીજાઓને આપશે. 10 શું તમે આ લેખ નથી વાંચ્યો કે, 'જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, ખૂણાનો મુખ્ય પથ્થર થયો;' 11 આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દ્રષ્ટિમાં તે અદ્દભૂત છે! 12 તેઓએ ઈસુને પકડવાને શોધ કરી; પણ તેઓ લોકોથી ગભરાયા. કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દૃષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા. 13 તેઓએ ઈસુની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલ્યા છે કે તેઓ વાતમાં તેમને ફસાવે. 14 તેઓ આવીને તેમને કહે છે કે, 'ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો અને પક્ષપાત કરતા નથી, કેમ કે માણસોની શરમ તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસાર રાજાને કર આપવો ઉચિત છે કે નહિ? 15 આપીએ કે ન આપીએ?' પણ ઈસુએ તેઓની ચાલાકી જાણીને તેઓને કહ્યું કે, 'તમે મારી પરીક્ષા કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.' 16 તેઓ લાવ્યા તે તેઓને કહે છે કે, દીનાર પર છાપ તથા લેખ કોનાં છે?' તેઓએ તેને કહ્યું કે, 'કાઈસારનાં.' 17 ઈસુએ જવાબ આપતાં તેઓને કહ્યું કે, 'જે કાઈસારનાં છે કાઈસારને અને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.' અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા. 18 સાદૂકીઓ જેઓ કહે છે કે, પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવ્યા. અને તેઓએ ઈસુને પૂછ્યું કે, 19 'ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ પત્નીને મૂકીને નિ:સંતાન મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને રાખે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે. 20 હવે સાત ભાઈ હતા; પહેલો પત્ની સાથે લગ્ન કરીને સંતાન વિના મૃત્યુ પામ્યો. 21 પછી બીજાએ તેને રાખી અને તે મૃત્યુ પામ્યો; તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ; અને એ પ્રમાણે ત્રીજાનું પણ થયું. 22 અને સાતે સંતાન વગર મૃત્યુ પામ્યા. છેવટે સ્ત્રીનું પણ મૃત્યુ થયું. 23 હવે પુનરુત્થાનમાં, તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.' 24 ઈસુએ તેઓને કહ્યું કે, 'શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? 25 કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતા નથી, પણ તેઓ સ્વર્ગમાંના દૂતોના જેવા હોય છે. 26 પણ મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું. 27 તે મૃત્યુ પામેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે. તમે ભારે ભૂલ કરો છો.' 28 શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની વાતો સાંભળી. અને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેમને પૂછ્યું કે, 'બધી આજ્ઞાઓમાં મુખ્ય કંઈ છે?' 29 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે; 30 તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી બુદ્ધિથી અને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. 31 અને બીજી આજ્ઞા એ છે કે જેમ તું તારા પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પણ પ્રેમ કર. તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.' 32 શાસ્ત્રીએ તેમને કહ્યું કે, 'ખરેખર ઉપદેશક, તમે ઠીક કહ્યું છે કે, તે એક જ છે, અને તેમના વિના બીજો કોઈ નથી. 33 અને પૂરા હૃદયથી, પૂરી સમજણથી, પૂરા સામર્થ્યથી તેમના પર પ્રેમ રાખવો, તથા પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો, તે સર્વ સકળ દહનાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.' 34 તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું કે, 'તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.' ત્યાર પછી કોઈએ તેમને પૂછપરછ કરવાની હિંમત કરી નહિ. 35 સભાસ્થાનમાં બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે, ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? 36 કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી મારે જમણે હાથે બેસ. 37 દાઉદ પોતે તેમને પ્રભુ કહે છે; તો તે તેનો દીકરો કેવી રીતે હોય?' બધા લોકોએ ખુશીથી તેનું સાંભળ્યું. 38 ઈસુએ બોધ કરતાં તેઓને કહ્યું કે, 'શાસ્ત્રીઓથી સાવધાન રહો; તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, ચોકમાં સલામો, 39 સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય સ્થાનો શોધે છે. 40 તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓને વિશેષ સજા થશે.' 41 ઈસુએ દાનપેટીની સામે બેસીને, લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું અને ઘણા શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા. 42 એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે નાના સિક્કા નાખ્યા. 43 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે. 44 કેમ કે તે બધાએ પોતાની પાસે વધારે હતું તેમાંથી નાખ્યું; પણ એ સ્ત્રીએ પોતાની તંગીમાંથી પોતાની પાસે હતું તે બધું એટલે કે પોતાની ઉપજીવીકા દાનમાં આપી.'

Chapter 13

1 ઈસુ સભાસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, 'ઉપદેશક, જુઓ, કેવા પથ્થર તથા કેવાં બાંધકામો!' 2 ઈસુએ તેને કહ્યું કે, 'શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.' 3 જૈતૂનના પહાડ પર, ભક્તિસ્થાનની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, 4 'અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે ક્યા ચિન્હ થશે?' 5 ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, 'કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો. 6 ઘણા મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાઓને ગેરમાર્ગે દોરશે. 7 પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધ અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે. 8 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે. 9 પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે. 10 પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. 11 જયારે તેઓ તમને લઈ જઈને પરાધીન કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે. 12 ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. 13 મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉધ્ધાર પામશે. 14 પણ જ્યારે તમે ધિક્કારપાત્ર વસ્તુ જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં મૂકેલી જુઓ, (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય. 15 અગાસી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય; 16 અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે. 17 તે દિવસોમાં જેઓ સગર્ભા હોય તથા સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે! 18 [તમારું નાસવું] શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો; 19 કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી [વિપત્તિ] ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ. 20 જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે. 21 તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ. 22 કેમ કે જુઠ્ઠા ખ્રિસ્તો તથા જુઠ્ઠા પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારો તથા અદભૂત કામો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે. 23 તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે. 24 પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂરજ અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, 25 આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે થશે. 26 ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે. 27 ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે. 28 હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 29 એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે, એટલે બારણા આગળ જ છે. 30 હું તમને ખાતરીથી કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 31 આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી શબ્દો જતી રહેશે નહિ. 32 પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના દૂતો નહિ અને દીકરો પણ નહિ. 33 સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. 34 તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય. 35 માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે! 36 એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. 37 અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, 'જાગતા રહો.'

Chapter 14

1 હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. 2 તેઓએ કહ્યું કે, 'પર્વમાં નહિ કેમ કે ત્યારે તો લોકોમાં હુલ્લડ થાય.' 3 જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠરોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું. 4 પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, 'અત્તરનો બગાડ શા માટે કર્યો? 5 કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.' તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી. 6 પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે. 7 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી. 8 જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે. 9 વળી હું તમને ખાતરીથી કહું છું કે, આખા જગતમાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ કેટલી સેવા તેના સ્મરણમાં કહેવામાં આવશે.' 10 બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને તેઓના હાથમાં પકડાવે. 11 તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તે ઈસુને પકડાવી દેવાનો તક શોધતો હતો. 12 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાયજ્ઞ કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, 'તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?' 13 ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, 'શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો. 14 અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, "ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાનો ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?" 15 તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.' 16 શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ. 17 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા. 18 અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને ખાતરીથી કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પકડાવી દેશે.' 19 તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, 'શું તે હું છું?' 20 તેમણે તેઓને કહ્યું કે, 'બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે. 21 કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.' 22 તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, 'લો, આ મારું શરીર છે.' 23 પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું. 24 ઈસુએ તેઓને કહ્યું કે, કરારનું આ મારું રક્ત છે, જે ઘણાને માટે વહેવડાવેલું આવ્યું છે. 25 હું તમને ખાતરીથી કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.' 26 ગીત ગાયા પછી તેઓ જૈતૂનના પહાડ પર ગયા. 27 ઈસુ તેઓને કહે છે કે, 'તમે સઘળા ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે. 28 પરંતુ મારા પાછા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.' 29 પણ પિતરે ઈસુને કહ્યું કે, 'જો કે બધા ભલે ઠોકર ખાય. હું તો નહિ ભૂલું.' 30 ઈસુ તેને કહે છે, કે 'હું તને ખાતરીથી કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.' 31 પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, 'મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું'. બીજા બધાએ પણ એમ જ કહ્યું. 32 તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.' 33 ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. 34 ઈસુ તેઓને કહે છે, 'મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.' 35 તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.' 36 તેમણે કહ્યું કે, 'અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.' 37 ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, 'સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી? 38 જાગતા રહો તથા પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ દેહ નબળો છે.' 39 ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી. 40 ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો [ઊંઘથી] ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું. 41 ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, 'શું તમે હજુ ઉંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે. 42 ઊઠો, આપણે જઈએ; જુઓ, મને જે પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.' 43 તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા. 44 હવે ઈસુને પકડાવનારે તેઓને એવી નિશાની આપી હતી કે, 'જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઇ લઈ જજો.' 45 ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, 'ગુરુજી.' અને તે તેમને ચૂમ્યો. 46 ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા. 47 પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તરવાર ઉગામીને મુખ્ય યાજકના દાસને મારી અને તેનો કાન કાપી નાખ્યો. 48 ઈસુએ તેઓને કહ્યું કે, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું? 49 હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે [આમ થાય છે]. 50 બધા ઈસુને મૂકીને નાસી ગયા. 51 એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો; 52 પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો. 53 તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા. 54 પિતર ઘણે દૂર રહીને તેમની પાછળ ચાલતો છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો; અને ચોકીદારોની સાથે બેસીને [અંગારાની] તાપણીમાં તે તાપતો હતો. 55 હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ. 56 કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. 57 કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરતાં કહ્યું કે, 58 અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, 'હાથે બનાવેલા આ ભક્તિસ્થાનને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.' 59 આમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. 60 પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, 'શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?' 61 પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, 'શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?' 62 ઈસુએ કહ્યું કે, 'હું છું; અને માણસના દીકરાને પરાક્રમની જમણી તરફ બેઠેલો તથા આકાશનાં વાદળાંસહિત આવતો તમે જોશો. 63 પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, 'હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? 64 તમે આ ઈશ્વર-નિંદા સાંભળ્યું છે, તમને શું લાગે છે?' બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યા. 65 કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, '[તું પ્રબોધક છે તો] કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા. 66 હવે પિતર નીચે ચોકમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક દાસી આવી. 67 અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, 'તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.' 68 પણ પિતરે ઈનકાર કરીને કહ્યું કે, 'તું શું કહે છે, તે હું જાણતો નથી તેમજ સમજતો પણ નથી.' તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો. 69 તે દાસી તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, 'એ તેઓમાંનો છે.' 70 પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડી વાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, 'ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.' 71 પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, 'જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.' 72 તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.

Chapter 15

1 સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધા. 2 પિલાતે ઈસુને પૂછ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, 'તું કહે છે તે જ [હું છું].' 3 મુખ્ય યાજકોએ તેમના પર ઘણા આક્ષેપો મૂક્યા. 4 પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, 'શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!' 5 પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું. 6 આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો. 7 કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બારાબાસ નામનો એક માણસ હતો. 8 લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, 'જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.' 9 પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, 'શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?' 10 કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધા હતા. 11 પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બારાબાસને મુક્ત કરે. 12 પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, 'જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?' 13 તેઓએ ફરી બૂમ પાડી કે, 'તેને વધસ્તંભે જડાવો.' 14 પિલાતે તેઓને કહ્યું કે, 'શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?' પણ તેઓએ વધારે બૂમ પાડી કે, 'તેને વધસ્તંભે જડાવો.' 15 ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બારાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યા. 16 સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડી ખડી કરી. 17 તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; 18 અને 'હે યહૂદીઓના રાજા, સલામ!' એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા. 19 તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યા અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યા. 20 તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમનાં પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા. 21 સિમોન કરીને એક કુરેનીનો માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે સીમમાંથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો. 22 ગલગથા નામની જગ્યા, જેનો અર્થ 'ખોપરીની જગ્યા' છે, ત્યાં તેઓ તેમને લાવ્યા. 23 તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી. 24 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યા અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમનાં વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં. 25 સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યા. 26 તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે "યહૂદીઓનો રાજા." 27 ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યા, એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ. 28 "તે અપરાધીઓમાં ગણાયો," એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરુ થયું. 29 પાસે થઈને જનારાઓએ ઈસુની નિંદા કરી તથા માથાં હલાવતાં કહ્યું કે, 'વાહ રે! ભક્તિસ્થાન પાડી નાખનાર તથા ત્રણ દિવસમાં બાંધનાર, 30 તું પોતાને બચાવ, અને વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ.' 31 એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, 'તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી. 32 ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.' વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી. 33 બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 34 બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, 'એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા પ્રભુ, મારા પ્રભુ, તમે મને કેમ મૂકી દીધો છે?' 35 જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, 'જુઓ, તે એલિયાને બોલાવે છે.' 36 એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, 'રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?' 37 ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. 38 ભક્તિસ્થાનનો પડદો ઉપરથી તે નીચે સુધી ચિરાઈને તેના બે ભાગ થયા. 39 જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, 'ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો.' 40 કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગદલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી. 41 જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ [ત્યાં હતી]. 42 સાંજ પડી ત્યારે સિધ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે, 43 ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો પાર્થિવ દેહ માગ્યો. 44 પિલાત આશ્ચર્ય પામ્યો કે, 'શું તે એટલો જલ્દી મૃત્યુ પામ્યો હોય!' તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, 'ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?' 45 સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યુસફને એ દેહ અપાવ્યો. 46 યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં. 47 તેમને ક્યાં મૂક્યા એ મગ્દ્લાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.

Chapter 16

1 વિશ્રામવાર વીતી ગયા પછી મગદલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને ચોળે. 2 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ સૂરજ ઊગતાં પહેલાં તેઓ કબરે આવી. 3 તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, 'આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?' 4 તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે, પથ્થર ખસી ગયેલો છે. જો કે તે ઘણો મોટો હતો. 5 તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ. 6 પણ તે તેઓને કહે છે કે, 'ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યા હતા તે આ છે. 7 પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને [ખાસ કરીને] પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.' 8 તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી. 9 હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત અશુધ્ધ આત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા. 10 જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11 ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ માન્યું નહિ. 12 એ પછી તેઓમાંના બે જણ ચાલીને (એમ્મૌસ) ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા. 13 તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જો કે તેઓએ પણ તેઓનું માન્યું નહિ. 14 ત્યાર પછી અગિયાર [શિષ્યો] જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું. 15 ઈસુએ તેઓને કહ્યું કે, 'આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. 16 જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉધ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. 17 વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે, મારે નામે તેઓ અશુધ્ધ આત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, 18 સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.' 19 પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. 20 તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા. આમીન.